March 4, 2026
IMG_20250903_102520
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધની આગ મિડલ ઈસ્ટના અન્ય દેશો સુધી ફેલાઈ છે. ત્યારે મિડલ ઈસ્ટમાં કામ કરતા હજારો ભારતીય નાગરિકોની ચિંતા વધી છે. સુરતના સિંગણપોર વિસ્તારના વતની અને હાલ કુવૈતની રિફાઈનરીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા એક યુવકે આજે ત્યાંની ભયંકર સ્થિતિ ભાસ્કરને લાઈવ બતાવી હતી. પ્રશાંત બાબરિયા નામનો યુવક આજે સવારે જ્યારે તેની રિફાઈનરી પર જઈ રહ્યો હતો ત્યારે જ તેની બસ પર ઈન્ટરસેપ્ટ કરાયેલી મિસાઈલનો કાટમાળ પડ્યો હતો. સદનસીબે તમામનો બચાવ થયો હતો. પ્રશાંત બાબરિયાએ ભાસ્કર રિપોર્ટર શ્વેતા સિંઘ સાથે વીડિયો કોલથી વાતચીત કરી ત્યાંની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. પ્રશાંતે કહ્યું હતું કે, મધરાતથી જ સતત ધડાકાઓ થઈ રહ્યા છે. તેને કહ્યું હતું કે, હું જ્યારે કંપની પર જઈ રહ્યો હતો ત્યારે મારી નજર સામે જ મિસાઈલનો કાટમાળ પડ્યો. પ્રશાંત જે બસમાં સવાર હતો તેના પર જ મિસાઈલનો કાટમાળ પડ્યો
પ્રશાંતે વધુમાં ચોંકાવનારી વિગત આપતા જણાવ્યું કે, આ મિસાઈલ જ્યારે હવામાં તોડી પાડવામાં આવી ત્યારે તેનો કાટમાળ સીધો જ અમારી બસની ઉપર પડ્યો હતો. બસની ઉપર પછડાયા બાદ કાટમાળ ચારે તરફ વિખરાઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ કામદારોમાં ભારે ડરનો માહોલ છે. પહેલા અમને નાની ગાડીઓમાં લઈ જવામાં આવતા હતા, પરંતુ હવે સુરક્ષાના કારણોસર તમામને બસમાં એકસાથે લઈ જવામાં આવે છે. ‘સવારે 3 વાગ્યાથી સતત ધડાકા અને સાયરન ચાલુ’
કુવૈતમાં વર્તમાન સ્થિતિ અંગે જણાવતા તેમણે કહ્યું કે, “છેલ્લા બે-ત્રણ દિવસથી અમે સતત ડ્રોન હુમલા અને મિસાઈલ ઇન્ટરસેપ્ટ થવાના અવાજો સાંભળી રહ્યા છીએ. આજે સવારે 3 વાગ્યાથી જ સતત મોટા ધડાકાઓ થઈ રહ્યા છે. આખી રાત સાયરન વાગતી રહે છે, જેને કારણે ઊંઘવું પણ મુશ્કેલ બન્યું છે. વાતાવરણ એટલું તણાવપૂર્ણ છે કે ગમે ત્યારે શું થશે તે કહી શકાય તેમ નથી.” ‘અમેરિકન એરબેઝ નજીક હોવાથી જોખમ વધ્યું’
પ્રશાંત જે રિફાઇનરીમાં કામ કરે છે તેની બિલકુલ બાજુમાં જ અમેરિકાનું ‘અલ-સાલેમ એરબેઝ’ આવેલું છે. ઈરાન દ્વારા આ એરબેઝને ટાર્ગેટ બનાવીને મિસાઈલો અને ડ્રોન છોડવામાં આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ ઝોનની નજીક જ આ મિલિટરી બેઝ હોવાને કારણે રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ પર જોખમ વધી ગયું છે. હવામાં જ મિસાઈલો તોડી પાડવામાં આવતી હોવાથી તેના અવશેષો રહેણાંક વિસ્તારોમાં પડી રહ્યા છે. કંપનીમાં ઇમરજન્સી ડ્યુટી અને સાવચેતી
તણાવ છતાં કંપનીઓ ચાલુ છે, પરંતુ નિયમોમાં ફેરફાર કરાયા છે. પ્રશાંતે જણાવ્યું કે, “અમને હાલ ખૂબ જ સાવચેતી સાથે કામ પર લઈ જવામાં આવે છે. શક્ય છે કે આવતીકાલથી માત્ર ઇમરજન્સી ડ્યુટી જ રાખવામાં આવે અથવા વર્ક ફ્રોમ હોમની એડવાઈઝરી જાહેર કરવામાં આવે. હાલમાં તમામ ભારતીયોને સાવધ રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.” ભારતીય એમ્બેસી સતત સંપર્કમાં: ‘ડરવાની જરૂર નથી’
ભારત સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા પ્રશાંતે કહ્યું કે, “ભારતીય એમ્બેસી સતત અમારા સંપર્કમાં છે. તેઓ એડવાઈઝરી જારી કરી રહ્યા છે અને ગઈકાલે યુટ્યુબ પર લાઈવ સેશન કરીને અમને હિંમત પણ આપી હતી. ભારત સરકારે ખાતરી આપી છે કે જો પરિસ્થિતિ વધુ બગડશે તો તમામ ભારતીયોને કુવૈતથી એરલિફ્ટ કરીને સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવશે.”
Copyright 2025. All right reserved. Unjha Samachar Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!